8 નવેમ્બર 1888, વાવાજોડાને લીધે વૈતરણા જહાજ ગુજરાતના સમુદ્રમા ડૂબી ગયેલું

આજે 8 નવેમ્બર ની તારીખે વૈતરણા જહાજની દુર્ઘટનાને 137 વર્ષ પુરા થયા.

SS વૈતરણા જહાજ, ગ્રેંજમથ ડોકયાર્ડ ખાતે (ઇંગ્લેન્ડ), ૧૮૮૫

SS વૈતરણા જહાજ, ગ્રેંજમથ ડોકયાર્ડ ખાતે (ઇંગ્લેન્ડ), ૧૮૮૫

આ જહાજ ૮ નવેમ્બર ૧૮૮૮ ના રોજ માંડવી (ગુજરાત) થી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા.


વૈતરણા જહાજ ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. (ઇંગ્લેન્ડ) દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું તેમનું સૌથી પહેલું વરાળથી ચાલતું સ્ટીમશીપ જહાજ હતું. તે સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ૩ વર્ષ લાગ્યા હતા. તેમાં ૩ માળ અને ૨૫ કેબિનો હતી.


આ જહાજને વૈતરણા નામ મહારાષ્ટ્ર ની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું. જહાજને ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે, જોકે ટાઈટેનિક તેનાં ૨૪ વર્ષ પછી ડૂબ્યું હતું.


આ જહાજ માંડવી (તે સમયનું કચ્છ રજવાડું) અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. ૮ રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું.


વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ (વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ) ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચી વધુ પ્રવાસીઓ લીધા બાદ પ્રવસીઓની સંખ્યા ૭૦૩ પર પહોંચી હતી. તે પોરબંદર માટે રવાના થયું. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને પછી રાતે કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) મા ભારે તોફાનમાં ડુબતું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું.


તૂટેલા જહાજનો કોઈ ભાગ અથવા કોઇ મૃતદેહો મળ્યાં નહી. જહાજને અરબી સમુદ્રના તોફાનમાં તૂટી અને ડૂબી ગયેલ માની લેવાયું. જહાજ પર ૭૪૬ લોકો (૭૦૩ પ્રવાસીઓ અને ૪૩ જહાજના કર્મચારીઓ) સવાર હતા. જહાજમાં ૧૩ જાનના જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા માટે જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સામેલ હતા.


વૈતરણા જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના બીજા જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી. મુંબઈ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ વૈતરણા નો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.


English: https://en.wikipedia.org/wiki/SS_Vaitarna